Wednesday, December 25, 2013

પતિઓ ખાસ ધ્યાન આપે : રિસર્ચ પ્રમાણે મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધુ ઉંઘ જોઈએ



ન્યૂ યોર્ક, 25 ડિસેમ્બર

સામાન્ય રીતે જો પત્ની રોજિંદા સમય કરતા મોડી ઉઠે કે પછી પરિવારમાં છેલ્લે ઉઠે તો આખા ઘરની વ્યવસ્થા પડી ભાંગતી હોય છે. આ સંજોગોમાં સૌથી વધારે આરામ કોને જોઈએ, સ્ત્રી કે પુરુષ એની સતત ચર્ચા થતી રહેતી હોય છે. આ ચર્ચા અને વિવાદનો અંત આણતું એક સંશોધન તાજેતરમાં કરવામાં આવ્યું છે. આ સંશોધનનું તારણ એવું આવ્યું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે ઉંઘની જરૂર છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે દિવસ દરમિયાન મહિલાઓને અલગ અલગ કામ કરવાનાં હોય છે. તેમની મલ્ટિટાસ્કિંગ પર્સનાલિટીને કારણે તેમનાં શરીર અને મગજને વધારે આરામની જરૂર હોય છે.

નોર્થ કેરોલિના યુનિર્વિસટીના સંશોધકોના મતે જે મહિલાઓ વધારે કામ કરતી હોય અને તેમને પૂરતી ઉંઘ ન મળતી હોય તે ખરેખર ગંભીર બાબત છે. ઓછી ઉંઘ મળવાને કારણે સમય જતાં મહિલાઓ ડિપ્રેશનમાં ધકેલાઈ શકે છે અથવા તો ચીડિયા સ્વભાવની થઈ જાય છે.

તેનાથી વિપરીત સંશોધકોનું માનવું છે કે પુરુષોને દિવસ દરમિયાન પૂરતી ઉંઘ ન મળે તો ખાસ ફરક પડતો નથી. તેઓ આવી સ્થિતિમાં પણ સામાન્ય રહી શકે છે. ઉંઘ પર આ પહેલાં પણ કરવામાં આવેલાં સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, અપૂરતી ઉંઘ વ્યક્તિને ગુસ્સાવાળી બનાવે છે તથા તેને બ્રેઈનસ્ટ્રોક, હાર્ટએટેક આવવાની તથા ડિપ્રેશનમાં જવાની શક્યતાઓ પણ વધારે છે. સંશોધકોના મતે ઉંઘ મહિલાઓનાં શરીરમાં કેટલાક ફેરફાર કરતી હોય છે તેથી પૂરતી ઉંઘ ન મળે તો તે પીડાદાયક સાબિત થાય છે.

જ્યારે પૂરતી ઉંઘ ન મળતી હોય ત્યારે મહિલાઓએ પાવરનેપ લેવાનું રાખવું જોઈએ, તેના માટે તેમણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે પાવરનેપ વધારેમાં વધારે 90 મિનિટનો હોવો જોઈએ, તેનાથી વધારે સમયનો નેપ ઉંઘની સમસ્યાને વધુ વિકટ બનાવે છે. ઉંઘનું મુખ્ય કાર્ય મગજને શાંત કરવાનું અને આરામ આપવાનું હોય છે. મગજને પૂરતો આરામ ન મળે તો તેની સીધી અસર મનોશારીરિક ક્રિયાઓ પર પડે છે અને મુશ્કેલીઓ સર્જાય છે તેથી મહિલાઓએ પુરુષોની સરખામણીમાં વધારે અને પૂરતી ઉંઘ લેવી જોઈએ.

No comments:

Post a Comment